વાંસદાના ચઢાવ ગામમાં સ્માર્ટ સાકાર વાંચન કુટિરનો ભવ્ય લોકાર્પણ સમારંભ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
મુંબઈના સાકાર જીવન વિકાસ ટ્રસ્ટના ફાઉન્ડર હિતેનભાઈ ભુતાના સૌજન્યથી નિર્મિત તથા Rainbow Warriors Dharampur અને વાંસદા તાલુકાની ચઢાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સંચાલિત સ્માર્ટ સાકાર વાંચન કુટિરનો લોકાર્પણ સમારંભ ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો.
Rainbow warriors Dharampur ગૃપની અનોખી પરંપરા મુજબ ચઢાવ ગામના શરૂઆતથી લઈને અત્યાર સુધીના તમામ સરપંચોને શાલ ઓઢાડી નાળિયેર તથા પુષ્પ છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ગામના માજી સરપંચોએ ગામના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા આવા પ્રોજેક્ટ માટે સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓનું હિત જેમના હૈયે વસેલું છે એવા હિતેનભાઈ ભુતાએ વાચકો જોગ આશિર્વચનમાં તમામ વાચકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
લોકાર્પણ સમારંભના અધ્યક્ષ અને નિવૃત્ત પ્રોફેસર ડૉ.કે.એચ.ચીખલીયાએ જણાવ્યું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન, શિસ્તબદ્ધ અભ્યાસનું વાતાવરણ અને આધુનિક સુવિધાઓ ખૂબ જરૂરી છે, જે આ સ્માર્ટ વાંચન કુટિર દ્વારા ઉપલબ્ધ બનશે. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત વાંચન, સમય વ્યવસ્થાપન અને લક્ષ્ય આધારિત તૈયારી પર ભાર મૂક્યો હતો.
સમારંભના ઉદ્ઘાટક અને રાજ્ય સરકારના માહિતી ખાતાની સુરત સ્થિત પ્રાદેશિક કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી યુ. બી. બાવીસાએ યુવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે, વાંચન કુટિર માત્ર પુસ્તકો માટેનું સ્થળ નથી, પરંતુ જીવન ઘડતરનું કેન્દ્ર છે. અહીંથી તૈયાર થનારા વાચકો ભવિષ્યમાં સમાજ અને રાષ્ટ્રના ઉત્તમ નાગરિક બનશે. તથા સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકોની જરૂરિયાત સંદર્ભે મદદ કરવાની ખાતરી આપી હતી.
વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગના શિક્ષણ નિરીક્ષક ડૉ. બીપીનભાઈ પટેલે કાર્યક્રમમાં વાચકોને માર્ગદર્શન આપતા વિષયો જેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, નિયમિત અભ્યાસની રીત,પુસ્તકોની યોગ્ય પસંદગી, ડિજિટલ સાધનોનો સકારાત્મક ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું. માલનપાડા મોડેલ સ્કૂલના આચાર્યા ડૉ. વર્ષાબેન પટેલે જીવનમાં લાઇબ્રેરીના મહત્વની વિવિધ ઉદાહરણો દ્વારા સુંદર સમજ આપી હતી.

ચઢાવ ગામના સરપંચ નીલેશ્વરીબેન પટેલે જણાવ્યું કે, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, Rainbow Warriors Dharampur તથા ગ્રામ પંચાયત ચઢાવના સહયોગથી રચાયેલી આ સ્માર્ટ સાકાર વાંચન કુટિર ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યની નવી દિશા સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ચીખલી કોલેજના પ્રિન્સીપાલ જશવંતભાઈ, ડૉ.વિરેન્દ્ર ગરાસીયા (ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક), મહેશ ગરાસીયા (RTO કચેરી વલસાડ), નિમેશભાઈ ગાંવિત (નાયબ ઓડિટર લોકલ ફંડ નવસારી), જયેશભાઈ પટેલ (જય સ્વાદિષ્ટ હોટલ વાંસદા), મિતેશ પટેલ, પ્રો.ભાવિકા પટેલ, સુનિલ પટેલ (જી.ઈ.બી વલસાડ), સુનિલ પટેલ સા.કાર્યકર્તા બામટી , સાંઈ કથાકાર રાજેશાનંદ મહારાજ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
સ્માર્ટ સાકાર વાંચન કુટિરને અદ્યતન બનાવવા માટે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ તરફથી તમામ ફર્નિચર, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકો, સ્માર્ટ પ્રોજેક્ટર સહિતની સુવિધા પૂરી પાડી હતી. પીઆઈ ધર્મેશભાઈ પટેલે વાઈ ફાઇ પ્રિન્ટર તથા ગ્રામજનો તરફથી અન્ય તમામ સુવિધાઓ વાચકોને પૂરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા મનીષ પટેલ, ધર્મેશભાઈ, યોગેશભાઈ, જીતુભાઈ, રમેશભાઈ, ઈશ્વરભાઈ, યોગેશભાઈ સહિત ચઢાવ ગામના યુવાનો, આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મનીષ પટેલ તથા Rainbow warriors Dharampurના કો. ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!