પ્રગટેશ્વર ધામ આછવણીમાં તા.૨૪ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન યોજાનાર શ્રીમદ્દ ભાગવત કથાનો પ્રારંભ: ખેરગામના યુવા કથાકાર કશ્યપભાઈ જાનીની જાહેર કથાયાત્રાનો શુભારંભ: કથા પ્રારંભે ખેરગામના રામજી મંદિર ખાતેથી ભવ્ય પોથીયાત્રા નીકળી પ્રગટેશ્વર ધામ આછવણી પહોંચી

ગુજરાત એલર્ટ | ખેરગામ
પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે તા. ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાની પ્રેરણાથી યોજાનારી ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાથી ઓતપ્રોત એવી શ્રીમદ્દ ભાગવત કથાનો આજથી પ્રારંભ થયો છે. નવોદિત યુવા કથાકાર કશ્યપભાઈ જાનીની પ્રથમ એવી આ સાત દિવસીય ભાગવત કથા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક ચેતનાનો મહોત્સવ બની રહેશે.

શ્રીમદ્દ ભાગવત કથાના પ્રારંભે ખેરગામના પ્રાચીન અને પવિત્ર રામજી મંદિર ખાતેથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ શોભાયાત્રા શરૂ થઈ હતી, અને ખેરગામ બજારમાંથી થઇ આછવણીના પ્રગટેશ્વરધામમાં પહોંચી હતી. જેમાં ભગવાનના નામસંકીર્તન, વાજિંત્રોના મધુર સ્વર અને ભક્તોના જયઘોષ સાથે સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયો હતો. વિવિધ ફૂલોથી સજ્જ પોથીયાત્રામાં સ્ત્રી-પુરુષો, યુવકો, વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ ભાગવત કથા દ્વારા ખેરગામના નવોદિત અને પ્રતિભાશાળી કથાકાર કશ્યપભાઈ જાનીની કથાયાત્રાનો સત્તાવાર શુભારંભ થયો છે. કશ્યપભાઈ જાનીને તાજેતરમાં જ કથાકાર તરીકેની દિક્ષા ઊનાઇ માતાના પાવન સાનિધ્યમાં દેશ-વિદેશમાં ખ્યાતનામ અને સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા આપવામાં આવી હતી.
દિક્ષા પ્રાપ્ત કર્યા બાદ પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે યોજાઇ રહેલી આ શ્રીમદ્દ ભાગવત કથા કશ્યપભાઈ જાનીની પ્રથમ જાહેર કથા હોવાનું વિશેષ મહત્વ છે. યુવા વયે જ શાસ્ત્રજ્ઞાન, વાણીની મધુરતા અને ભાવસભર રજૂઆતથી કશ્યપભાઈ જાની ભક્તોના હૃદયને સ્પર્શવાની ક્ષમતા ધરાવે છે.

આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું, હતું કે, અન્નદાન મોટામાં મોટું દાન છે, જેથી જીવનમાં યથાશક્તિ અન્નદાન કરવું જ જોઈએ. ભગવાન અને માતા પિતાની કૃપા અને આશીર્વાદ હોય તે જ વ્યાસપીઠ ઉપર બેસી શકે છે. ભાગવત કથાનું શ્રવણ કરવાથી પિતૃઓના મોક્ષ મળે છે, જે માટે અહીં સર્વપિતૃઓના મોક્ષાર્થે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કશ્યપભાઈ જાની કર્મકાંડના મંદિરના આચાર્ય છે, એમની સાથે દેશના અનેક સ્થળોએ જન કલ્યાણના હેતુથી યજ્ઞ કર્યા છે. તેઓ ભવિષ્યમાં એક મહાન કથાકાર બનશે એવો વિશ્વાસ અને શ્રધ્ધા છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ કથા મહોત્સવને દેશ-વિદેશના સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લએ કશ્યપભાઈ જાનીના કથાકાર તરીકેના નવા પ્રારંભને શુભેચ્છા પાઠવી, તેમની વાણી દ્વારા સમાજમાં ધર્મ, સંસ્કાર અને સદભાવના ફેલાય તેવી પ્રાર્થના કરી છે. તેમની કથાઓ પણ દેશ-વિદેશમાં થાય, સનાતન ધર્મનો પ્રચાર કરે અને સફળતાના શિખરો સર કરે તેવા શુભાશિષ પાઠવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધર્માચાર્ય પરભુદાદાના આશીર્વાદ અને પ્રગટેશ્વરદાદાની કૃપા સાથે તેઓ તેમની પ્રથમ કથાનો શુભારંભ કરી રહ્યા છે, જેથી તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે.
દાંડીવલ્લીના ભુદેવ હિમ્મતભાઈ શાસ્ત્રીએ કશ્યપભાઈની પ્રથમ કથાની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, જે કથા પિતૃઓને મોક્ષ આપે તે જીવંત વ્યક્તિને શું ન આપી શકે ભારતના અનેક તીર્થોમાં યજ્ઞ કરાવનાર ધર્માંચાર્ય પરભુદાદા ધર્મનું ગાડું ખેચીને ચાલી રહ્યા છે, તે ગાડીમાં બેસીને પુણ્યનું ભાથું મેળવવાનો અવસર શિવ પરિવાર સહિત જેમને પણ મળ્યો છે, તે ખરેખર સદભાગી છે.
પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે યોજાનાર આ સાત દિવસીય શ્રીમદ્દ ભાગવત કથા દરમિયાન દરરોજ ભજન, કીર્તન, આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આયોજક સમિતિ દ્વારા ભક્તોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણી તથા અન્ય વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવામાં આવી છે.
પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઈ પરમારે ઉપસ્થિત સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આપણા ગોર મહારાજ કશ્યપભાઈ પ્રગટેશ્વર ધામમાં તેમની પ્રથમ કથા કરી રહ્યા છે, એ આપણું ગૌરવ છે. કથાના આયોજનમાં સહભાગી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને દરરોજ કથામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.
કિશનભાઈ દવેએ કથા પ્રારંભ અને પોથીયાત્રાનું સંચાલન કર્યું હતું, હર્ષ જાનીએ કથા આચાર્યની સેવાઓ આપી હતી. આ શુભ અવસરે પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઇ પરમાર, મંત્રી હેમંતભાઇ પટેલ, ખજાનચી અમિતભાઇ પટેલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ તેમજ શિવ પરિવારના વિપુલભાઇ પંચાલ, અપ્પુભાઇ પટેલ, અજયભાઇ પટેલ, પ્રવિણભાઇ પટેલ, કાંતિભાઇ દમણીયા, ભરતભાઇ દેસાઇ, દિપકભાઇ પટેલ, પાણીખડક હાઇસ્કુલના ટ્રસ્ટી ચુનિભાઈ પટેલ, ખેરગામ બ્રહ્મ સમાજ સહિત ગુજરાત મહારાષ્ટ્ર શિવ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કશ્યપભાઈ જાનીને પ્રથમ કથાની શુભકામનાઓ પાઠવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!