વલસાડમાં ‘‘સશક્ત નારી મેળો’’ સખી મંડળની બહેનો માટે ખરા અર્થમાં સાર્થક બન્યો, ૩ દિવસમાં રૂ. ૧૮ લાખનું વેચાણ થયું: ૭૫ જેટલા સ્ટોલ પર હસ્તકલા, ખાદ્ય પદાર્થ, વન ઔષધિ, કૃષિ, દૂધની બનાવટ અને ક્રાફ્ટની લોકોએ હોંશે હોંશે ખરીદી કરી

ગુજરાત એલર્ટ | વલસાડ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’’ અભિયાન તેમજ ‘‘વોકલ ફોર લોકલ’’ તથા મહિલા સશક્તિકરણને સંકલ્પને ચરિતાર્થ કરવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધરમપુર રોડ પર સી.બી. હાઈસ્કૂલના મેદાનની બાજુમાં તા. ૧૯ થી ૨૧ ડિસેમ્બર સુધી ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને વ્યાપક પ્રતિસાદ મળતા માત્ર ત્રણ જ દિવસમાં ૭૫ જેટલા સ્ટોલ ધારકોને કુલ રૂ. ૧૮ લાખની આવક થતા આ સશક્ત નારી મેળો ખરા અર્થમાં સખી મંડળની બહેનો માટે સાર્થક પૂરવાર થયો હતો.
રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ સશક્ત નારી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેળામાં હસ્તકલા, ખાદ્ય પદાર્થ, વન ઔષધિ, કૃષિ, દૂધની બનાવટ, ક્રાફ્ટ, ખેતીવાડી, બાગાયત સહિત સખી મંડળીના કુલ ૭૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનોએ આ મેળામાં ઉમટી ધૂમ ખરીદી કરી મહિલા કારીગરોને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતું. આ મેળાથી મહિલા સશક્તિકરણની નેમ સાથે મહિલાઓને સાચા અર્થમાં રોજગારી મળતા સખી મંડળની બહેનોની લખપતિ દીદીની સફર શરૂ થઈ હતી. આ મેળામાં ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાના સખી મંડળની બહેનો દ્વારા જાડા ધાન્યને પણ પ્રોત્સાહન આપવાથી ખાદ્ય પદાર્થ ઉત્પાદન કરતા સ્વ સહાય જૂથોને પણ લાભ મળ્યો હતો. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક જાડા ધાન્યની વલસાડવાસીઓએ પણ હોંશે હોંશે ખરીદી કરી હતી.

સખી મંડળની બહેનોને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અશોક કલસરીયાએ સ્વદેશી વસ્તુનું વધુ ને વધુ વેચાણ થાય તે અર્થે પરિવાર સાથે સશક્ત નારી મેળામાં પહોંચી ખરીદી કરી હતી. આ સિવાય વિવિધ ખાતાના અધિકારી અને કર્મચારીઓએ પણ ખરીદી કરી મહિલાઓનો ઉત્સાહ વધારી મહિલા સશક્તિકરણ સાથે વોકલ ફોર લોકલનો સંદેશ આપ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!