ગુજરાત એલર્ટ | વલસાડ
નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, બીઆરસી વાપીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૫- ૨૬ વાપી પબ્લિક સ્કૂલ, વટાર ખાતે યોજાયું હતું.

કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, આપણા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દરેક બાળકનું શાળામાં નામાંકન થાય તે માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના ભણતરની દરેક જરૂરિયાતો પૂર્ણ કરી છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનો દ્વારા વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા વધશે. આત્મનિર્ભર ભારતની થીમ હોવાથી સ્વદેશી વસ્તુઓ અપનાવવાની ભાવના પણ જાગશે.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પ્રદર્શનના હેતુ તથા STEM ના પ્રાસંગિક મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા પર્યાવરણ સંરક્ષણ, નવીકરણ ઊર્જા, આધુનિક ટેકનોલોજી, આરોગ્ય, રોબોટિક્સ, કૃત્રિમ બુદ્ધિ અને સામાજિક વિજ્ઞાન આધારિત મોડેલોના પ્રદર્શનને નિહાળ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ મિતેશ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેતન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી ટંડેલ, તાલુકા સંગઠન પ્રમુખ સ્મિત પટેલ, વીઆઇએ પ્રમુખ સતીશ પટેલ, શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો, શિક્ષકો, અધિકારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
