ગુજરાત એલર્ટ | વલસાડ
૧૨ ડિસેમ્બર રાજયના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્તે વલસાડ વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસના રૂા. ૧૧.૬૦ કરોડના કામોના ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરાયેલા ખાતમુહૂર્તના કામોમાં વલસાડ તીથલ બીચથી સ્વામીનારાયણ મંદિર સુધીના ર કિમીના રોડને વાયડનીંગ અને રીસરફેસિંગ, રૂા. ૪ કરોડના ખર્ચે હાલર તળાવથી સીવીલ હોસ્પટલ સુધી આર.સી. સી. ગટરનું કામ, રૂા. ૨ કરોડના ખર્ચે ભાગડાવડા કોલેજથી નનકવાડા ગ્રામપંચાયત થઇ ટીવી. રીલે કેન્દ્ર સુધીનો ૪ કિમીનો રોડ, અને રૂા. ૨.૬૦ કરોડના ખર્ચે વશીયર વાંકી નદીથી પારનેરા પારડી રેલવે ઓવરબ્રીજ સુધીનો ૨.૪ કિમીનો રોડનો સમાવેશ થાય છે.

આ અવસરે નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસ માટે શરૂ કરેલી વિકાસયાત્રા અવિરત રહી છે. વાયબ્રન્ટ ગુજરાત, આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના, સાગરખેડૂ યોજના, કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ સહિતના ઉત્સવો-યોજનાઓ થકી ગુજરાત આજે પ્રગતિ તરફ છે.

મંત્રીશ્રીએ આ તબક્કે વલસાડ શહેરને પણ વાપી મહાનગરપાલિકાની જેમ જ મહાનગરપાલિકા મળશે એવી હૈયાધારણ આપી હતી..વલસાડ શહેરને મહાનગરપાલિકા બનતા જ રાજય સરકારમાંથી વધુ ગ્રાન્ટ મળતાં શહેરનો વિકાસ સારી રીતે કરી શકાશે એમ જણાવ્યું હતું.

નાણાંમંત્રીશ્રીએ વલસાડ શહેરમાં ઉનાળામાં પીવાના પાણીની તંગી પડતી હોઇ, આ પાણીની તંગી નિવારવા માટે રાજય સરકાર દ્વારા દમણગંગા ડેમમાંથી સમગ્ર વલસાડ શહેરને પાણી મળી રહેશે તે માટેનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. વલસાડ શહેરને દમણગંગા ડેમમાંથી પાણી પાર નદીમાં લાવી ત્યાંથી વલસાડ શહેરને પાઇપલાઇન મારફત પાણી પૂરૂ પડાશે. આ આયોજનથી વલસાડ શહેરની સાથોસાથ વલસાડના કાંઠા વિસ્તારના ગામોમાં જે પાણીની તકલીફ પડતી હતી તે પણ તકલીફ હવે ટૂંક સમયમાં દૂર થશે.
વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલે તેમના વિધાનસભા વિસ્તારના રસ્તા, રોડ અને અન્ય વિકાસના રૂા. ૫૦ કરોડના કામોના ખાતમૂહર્ત કરી વિકાસના કામોની શરૂઆત કરાવી હતી.

કાર્યક્રમમાં તીથલ સ્વામી નારાયણ મંદિરના પૂ. કોઠારી સ્વામીએ આશીર્વચન આપી મંત્રીશ્રીનો આ રોડ બનાવવા માટે આભાર માન્યો હતો. કાર્યક્રમમાં માર્ગ અને મકાન સ્ટેટના કાર્યપાલક ઇજનેર જતીન પટેલ, પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર ભાવેશ પટેલ, સંગઠન પ્રમુખ મનીષ દેસાઇ, તીથલ ગામના સરપંચ રાકેશભાઇ, હાલર ગામના સરપંચ વિનોદભાઇ પટેલ તેમજ ગ્રામ્યજનો ઉપસ્થિત રહયા હતા.
