ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડનાં તિથલ રોડ સ્થિત શ્રી હનુમાનજી-શનિદેવ મંદિર પોતાનું રજત વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. ભક્તોના અવિચળ વિશ્વાસ, પ્રેમ અને પ્રભુ કૃપાથી છેલ્લા ૨૫ વર્ષથી મંદિર શ્રદ્ધા અને આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર બની રહ્યું છે. મંદિરની શરૂઆતથી લઈને આજ સુધીનું આ પવિત્ર યાત્રા-વર્ષ ભક્તસમૂહ માટે ગૌરવનો વિષય બન્યું છે.
૦૯ ડિસેમ્બર ૨૦૦૦ના રોજ શ્રીમતી શશી મોહનના પવિત્ર સંકલ્પ અને દીક્ષાભાવે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષો સુધી મંદિર સેવાઓ, પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભક્તોને આધ્યાત્મિક શાંતિ આપતું રહ્યું છે. રજત મહોત્સવના અવસરે મંદિર ટ્રસ્ટ અને ભક્તો દ્વારા સ્થાપક શ્રીમતી શશી મોહનની સેવાઓને સન્માનપૂર્વક યાદ કરવામાં આવી હતી.
આજરોજ યોજાયેલા રજત મહોત્સવ દરમિયાન ખાસ પાઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૧ વખત હનુમાન ચાલીસા, ૫૧ વખત શનિ ચાલીસા અને ૧ વખત સુંદરકાંડ પાઠનો સમાવેશ થાય છે. આ પાવન કાર્યક્રમ ૦૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સવારે ૮ વાગ્યેથી શરૂ થયો હતો અને સમગ્ર દિવસ ચાલ્યો હતો.
આ પ્રસંગે અનેક ભક્તો તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા અને મંદિરના ૨૫મા વર્ષના આનંદોત્સવને ભક્તિભાવથી ઉજવ્યો હતો.
