અતુલમાં યોજાયેલા બાલમેળામાં ૩,૦૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો

ગુજરાત એલર્ટ | વલસાડ
અતુલ ફાઉન્ડેશન દ્વારા ઓજસ કાર્યક્રમ અંતર્ગત ૧૩-૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ વલસાડના અતુલ ખાતે બાળ દિવસને શૈક્ષણિક અને સર્જનાત્મક રીતે ઉજવવા માટે બે દિવસીય અતુલ બાલમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું ઉદ્ઘાટન સોનલ સોલંકી જૈન અને સ્વાતિબેન લાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે વલસાડના જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે મુલાકાત લઈને આ પહેલની પ્રશંસા કરી હતી.
અતુલ ફાઉન્ડેશન સમાજ સેવા ક્ષેત્રે છ મુખ્ય વર્ટિકલ-શિક્ષણ, સશક્તિકરણ, આરોગ્ય, રાહત, સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સતત વિકાસનું કાર્ય કરી રહ્યું છે. આ તમામ વર્ટિકલની ટીમોએ મળીને બાળકો માટે learning-by-doing આધારિત ૩૪ સ્ટોલ તૈયાર કર્યા, જેમાં શૈક્ષણિક, સર્જનાત્મક અને સંવેદનશીલતા વધારતી પ્રવૃત્તિઓ સામેલ હતી.

અતુલ બાલમેળાએ બાળ-મૈત્રીપૂર્ણ પરિવાર, શાળા, ગામ અને વિશ્વ-આ ચારેય સંકલ્પનાઓને સરળ રીતે સમજાવી.એક એવી દુનિયા જ્યાં દરેક બાળકને પ્રેમ, સંભાળ, ટેકો, સલામતી, ભાગ લેવાનો અધિકાર અને ભય વિના, ગર્વથી વિકાસ કરવાની તક મળે-તે જ સાચું બાળમિત્ર વિશ્વ.
સ્ટોલ દ્વારા બાળકોને સર્જનાત્મકતા, પર્યાવરણીય જાગૃતિ, આરોગ્ય-પોષણ, ટકાઉ કૃષિ, બાળ અધિકારો, બાળ સુરક્ષા, વિજ્ઞાન-ભાષા શિક્ષણ, વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિષયો રમૂજી અને અનુભવ આધારિત રીતે શીખવ્યા. બાળકો માટે રમતો, જાદુઈ શો, સેલ્ફી કોર્નર અને માત્ર પાંચ રૂપિયામાં નાસ્તા અને રિફ્રેશમેન્ટ જેવી ખાસ વ્યવસ્થા પણ રાખવામાં આવી.
આ બાલમેળામાં ૩,૦૦૦ થી વધુ બાળકો, માતાપિતા, શિક્ષકો, સરપંચો, આશા કાર્યકરો અને સમુદાયના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
બાળકોની દુનિયા મોટાઓ પોતાની સમજ, દ્રષ્ટિ અને નિર્ણયો આધારે બનાવે છે.બાળકો માટે વધુ સુંદર, સુરક્ષિત અને પ્રેમાળ દુનિયા બનાવવા, માતાપિતા, શિક્ષકો, સરપંચો, શાસકો અને વહીવટી તંત્ર વધુ સંવેદનશીલ, જાગૃત અને બાળકેન્દ્રિત બનવું અત્યંત જરૂરી છે.
હા, બાળકોને દુનિયા માટે તૈયાર કરવું જરૂરી છે, પરંતુ એટલું જ મહત્વનું છે કે મોટાઓને બાળકો માટે દુનિયા બનાવવા માટે તૈયાર કરવામાં આવે. એક એવી દુનિયા જે બાળકોના અવાજ, વિચારો, લાગણીઓ, જરૂરિયાતો સાંભળે, તેમને નિર્ણયોમાં ભાગીદારીનો અધિકાર આપે અને તેમની સાથે ગૌરવથી વર્તે.
જ્યારે મોટા લોકો સાચા અર્થમાં બાળમિત્ર બને છે, ત્યારે જ આપણે સંવેદનશીલ, પ્રેમાળ, સુરક્ષિત અને સુંદર બાળમિત્ર વિશ્વનું નિર્માણ કરી શકીએ.
અતુલ બાલમેળાએ બાળકોને વિચારવાની, સર્જન કરવાની, વ્યક્ત કરવાની અને ગર્વથી ભાગ લેવાની અનોખી તક આપી અને બાળ મૈત્રીપૂર્ણ વિશ્વની વિઝનને વાસ્તવિક અનુભૂતિ બનાવી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!