ગુજરાત એલર્ટ | વલસાડ
શૈક્ષણિક ક્ષેત્રે રમત ગમત ક્ષેત્રે અને એન.સી.સી. પ્રવૃત્તિઓ માટે જાણીતી વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજમાં કોલેજીયન યુવાધન મોબાઈલ, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટની દુનિયાથી દૂર રહી પોતાના સમયનો સદઉપયોગ કરે અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપે એવા આશ્રયથી પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ, એન.સી.સી. કેડેટ અને રમતગમતના કુલ ૮૦ વિદ્યાર્થીઓ માટે તા.૬-૧૦-૨૦૨૫ થી ૧૭-૧૦-૨૦૨૫ દરમિયાન રાજ્ય સરકારના ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન’’ અંતર્ગત ફિટનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં દરરોજ સવારે ૮:૦૦ થી ૧૦: ૩૦ સુધી વિવિધ શારીરિક કસરતો, સૂર્યનમસ્કાર, યોગ અને પ્રાણાયામ, પાંચ કિલોમીટર દોડ અને દેશી રમતો વગેરેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. યુવાનો રાત્રે વહેલા સુઈ, સવારે વહેલા ઉઠી શારીરિક શ્રમ, સ્વાસ્થ્યની સાથે માનસિક વિકાસ, સમય સંચાલન અને વ્યક્તિત્વ વિકાસના અગત્યના મુદ્દાઓ ઉપર વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. આ સાથે જ રાજ્ય સરકારના મેદસ્વિતામુક્ત અભિયાન અંગે પણ સમજણ આપી મેદસ્વિતાને કારણે થતા નુકસાન અંગે પણ સાવચેત કરવામાં આવ્યા હતા. સરકારના આ અભિયાન દ્વારા મેદસ્વિતામુક્ત રહી કેવી રીતે તંદુરસ્ત જીવન જીવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કોલેજનું સત્તા મંડળ, ઇન્ચાર્જ આચાર્ય પ્રો. વિજયકુમાર આર. ચાંપાનેરી, તમામ ટીચિંગ અને વહીવટી સ્ટાફે કેમ્પ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કેમ્પનું આયોજન અને સંચાલન શારીરિક શિક્ષણના અધ્યાપક અને એન.સી.સી. ઓફિસર કેપ્ટન મુકેશભાઈ કે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ ગ્રાઉન્ડમેન ઉત્તમભાઈ રાઠોડનો પણ સહકાર મળ્યો હતો.
