ગુજરાત એલર્ટ | વલસાડ
લાયન્સ ક્લબ, તિથલ રોડ, વલસાડે વલસાડમાં કુમાર અને કન્યા છાત્રાલયમાં નોંધપાત્ર વિનમ્રતા સાથે ૪ સંપૂર્ણ સ્વચાલિત વોશિંગ મશીન, ૨ રેફ્રિજરેટર, ૨ માઇક્રોવેવ ઓવન અને ૨ ઇન્ડક્શન હોટ પ્લેટ્સ ઉપકરણોનું દાન કર્યું છે જેથી વિદ્યાર્થીઓની દૈનીક જરૂરીયાત સારી રીતે પૂર્ણ થવા સાથે તેમના એકંદર હોસ્ટેલના અનુભવને નંદનવન બનાવશે.
સંસ્થાના આચાર્યશ્રીએ આ પ્રસંગે સર્વેને આવકારતા જણાવેલ કે અમે નિઃસ્વાર્થ સેવા અને સ્વસ્થ, સ્વચ્છ અને સુશીલ સમાજ ના સારથી એવા લાયન્સ ક્લબ, તિથલ રોડ વલસાડનો તેમની પ્રતિબદ્ધતા માટે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમની ઉદારતા અન્ય લોકોની સુખાકારી વધારનાર અને શિક્ષણ તેમજ કેળવણી માટેના સમર્પણનો પુરાવો છે.

ગુરૂપૂર્ણિમા પ્રસંગે હીરક મહોત્સવમાં સંસ્થાને વિવિધ પ્રકારે મદદ કરનાર શ્રી બિકાશ નાથ, ચંદન સ્ટીલએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે શીખવાની ધગશ વાળા માટે નાના બાળક પણ ગુરૂ બની રહે છે. વ્યક્તિ આજીવન વિદ્યાર્થી બની અવનવું શીખતો રહે એ સાંપ્રત જીવનમાં ખુબ જરૂરી છે. લાયન્સ ક્લબ વતી શ્રી વસંત પટેલે તેમના સરકારી પોલીટેક્નીક વલસાડના અભ્યાસ જીવન અને તે વખતના ગુરૂઓનું તેમના જીવન ઘડતર માં યોગદાન વિશે વિસ્તાર થી જણાવેલ અને પ્રામાણિકતા અને મહેનતથી ઉચ્ચ લક્ષ્ય હાંસલ કરવાની વિદ્યાર્થીઓને સમજણ આપેલ.

આ પ્રસંગે હીરક મહોત્સવના કન્વીનર ડૉ. અમિત ધનેશ્વરે જણાવેલ કે સહયોગ આપનાર તમામના પરોપકારી પ્રયાસો અમારા ધ્યેયો સાથે સુસંગત રહ્યા છે અને આ હીરક મહોત્સવની ઉજવણી થકી ટેકનીકલ શિક્ષણ પ્રત્યે ખૂબ જ નવિન્યતા, વૈવિધ્યતા દાખવવા તથા ચિંતન કરવા અમને ઉદ્યોગ ગૃહ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર મજાનું માર્ગદર્શન મળેલ છે અને તેના થકી અમોને ધ્યેય હંમેશા ઉંચા રાખવા પ્રોત્સાહન મળેલ છે. સંસ્થાના હીરક મહોત્સવ નિમીત્તે આ ઉપકરણો સ્વીકારતા રેક્ટર શ્રી એચ. બી. પટેલ એ જણાવેલ કે આ અદ્યતન વસ્તુઓના દૈનિક વપરાશ દ્વારા હોસ્ટેલના વિદ્યાર્થીઓનો થનાર આનંદ અને સંતોષ ભલે પ્રત્યક્ષ જોઇ કે માપી ન શકાય પણ તે અનુભવ તેમના અને અમારા માટે સદૈવ સ્મરણીય બની રહેશે. અન્ય માટે ઉદાહરણ બની રહે તેવા કાર્ય માટે અમો સૌ કાયમ આપના ઋણી રહીશું. આ દાનનો સદ્ઉપયોગ વિદ્યાર્થી હિતમાં કરી આપશ્રીના આ શુભ આશયને સાચા અર્થમાં પરિપૂર્ણ કરવા અમો કટિબદ્ધ છીએ.
ગુરૂપૂર્ણિમા કાર્યક્રમની સર્વાંગ સફળતા માટે સંસ્થાના અનુભવી અધ્યાપક્શ્રીઓના માર્ગદર્શન હેઠળ અથાક મહેનત કરીને સુચારુ આયોજન, અસરકારક સંકલન, અને યોગ્ય અમલીકરણ થકી સોંપવામાં આવેલ જવાબદારી સુપેરે નિભાવવા બદલ તેમજ પાસંગિક નૃત્ય અને કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓનો વિશેષ આભાર ડૉ. નિધી પંડ્યા અને શ્રી નિરલ જી. પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
