મધ્યપ્રદેશમાં 33 મો આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાત એલર્ટ | વડોદરા
નેપાનગર તાલુકાના ચેનપૂરા ગામ ખાતે 13, 14 અને 15 જાન્યુઆરી 2026 દરમિયાન 33 મો આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ભવ્ય રીતે યોજાયો. આ મહાસંમેલનમાં મધ્યપ્રદેશ સહિત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આદિવાસી સમાજના પ્રતિનિધિઓ, સમાજસેવકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ દિવસ ચાલેલા આ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાને મજબૂત બનાવવાનો રહ્યો.
મહાસંમેલનની વિશેષતા તરીકે પરંપરાગત આદિવાસી નૃત્ય-ગીત, લોકસંસ્કૃતિની ઝાંખી, ઐતિહાસિક પરંપરાઓ પર આધારિત પ્રદર્શન અને વિચારગોષ્ઠીઓ યોજાઈ હતી. સાથે સાથે શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને સમાજના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન સત્રો પણ રાખવામાં આવ્યા હતા, જેને હાજર જનમેદનીએ ઉત્સાહપૂર્વક આવકાર આપ્યો.

આ મહાસંમેલનમાં ગુજરાતના અંકલેશ્વર સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર કેયુરકુમાર છીતુભાઈ પટેલ ખાસ આદિવાસી પરિધાનમાં સજ્જ બની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પરિધાન અને ઉપસ્થિતિ દ્વારા “સંસ્કૃતિ સાથે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ”નો મહત્વપૂર્ણ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો.
સમાપન દિવસે આયોજિત એકતા સભામાં આદિવાસી સમાજની સંસ્કૃતિને જાળવી રાખવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આયોજકો દ્વારા જણાવાયું હતું કે આવનારા સમયમાં પણ આવા મહાસંમેલનો દ્વારા સમાજમાં એકતા, જાગૃતિ અને વિકાસની દિશામાં સતત પ્રયત્નો કરવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!