ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. જેમાં કોલક નદીમાં ભારે પુર આવતા અનેક ગામોમાં પાણી ભરાતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આવા સમયે વહીવટી તેમની વ્હારે આવ્યું હતું. છ થી સાત કલાકના રેસ્કયું ઓપરેશનમાં ભુરીયા ફળિયાના ૨૪ થી વધુ લોકો ફસાયા હતા. લોકોને બચવાનો કોઇ સહારો ન હતો ત્યારે વાપી મહાનગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ માટે સ્થળ પર પહોચવું કઠિન હતુ. મહા મુશીબતે સ્થળ ઉપર પહોંચી સ્થિતિનો તાગ મેળવી સ્થાનિક યુવાનોના સહયોગ મેળવી દોરડા બાંધીને વારા ફરતી ૨૪ લોકોનું સફળ રેસ્કયુ કરવામાં આવ્યું હતુ. તંત્ર દ્વારા રેસ્કયુ કરવામાં આવતા લોકો જાણ કે, ફાયર બ્રિગેડના જવાનો દેવદૂત બનીને આવ્યા હોવાનો ભાવ વ્યકત કર્યો હતો.
પુરમાં ફસાયેલા સલવાવ ગામના રવિન્દ્રભાઇ રણછોડભાઇ હળપિત જણાવે છે કે, ઘરના ધાબા સુધી પાણી આવી જતા ફળિયાના મહિલા અને પુરૂષો મુશ્કેલીમાં મુકાયા હતા. બચવા માટે કોઇ રસ્તો ન હતો. ગામના માજી સરપંચને ફોન કરીને મદદની જાણ કરી હતી. અમારી પરિસ્થિતિને ધ્યાને લઇ ફાયર બ્રિગેડના ચાર જવાનો આવીને ફળિયાના અન્યો યુવાનોના સહકારથી અમે હેમખેમ રહયા છીએ. અમે ફાયર બ્રિગેડ અને યુવાનોનો આભાર વ્યકત કરીએ છીએ.

સલવાવના માજી સરપંચ સંજયભાઇ પટેલ જણાવે છે કે ભુરીયા ફળિયામાં પાણી ભરાયાની જાણ થતાં જ અમે બચાવવાની તમામ કોશિશ કરી પણ પાણીના વહેણ વધારે હોવાથી બચાવી શકાય એવી સ્થિતિ ન હતી. વાપી મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની ફોન કરતાં તેઓ વાહન સાથે તરત જ આવી પહોંચ્યા હતા. પણ પાણી વધારે હોવાના કારણે વાહન પણ આગળ જઇ શકે તેમ ન હતું. મહામહેનતે તેઓ આવ્યા. અને દોરડાઓ બાંધી લોકોને બચાવ્યા. ખરેખર ફાયરના જવાનોનો આભાર માનવો પડે વિકટ પરિસ્થિતિમાં રસ્તો કરી સ્થળ સુધી પહોંચી આ લોકોનો બચાવ કર્યો, સાથે ગામના યુવાનોના સાથ સહકારથી આ ગરીબ પરિવારો ઉપર આવી પડેલી આપદામાંથી છુટકારો અપાવ્યો.
