વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં મહિલા દિવસ નિમિત્તે કેન્સર રસીકરણ કેમ્પમાં 150 મહિલાઓને સર્વિકલ કેન્સર પ્રતિરોધક રસી આપવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કસ્તુરબા હોસ્પિટલમાં રોટરી ક્લબ ઓફ વલસાડના સહયોગથી મહિલાઓ માટે વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વધે તેમજ સ્તન કેન્સર અને સર્વિકલ કેન્સર જેવા ગંભીર રોગોના વહેલા નિદાન અને નિવારણ અંગે માહિતી પહોંચે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
કેમ્પ દરમિયાન મહિલાઓને નિઃશુલ્ક મેમોગ્રાફી સ્ક્રીનિંગ, સર્વિકલ કેન્સર સામે રક્ષણ આપતી HPV રસી તેમજ સામાન્ય આરોગ્ય તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કસ્તુરબા હોસ્પિટલના નિષ્ણાત તબીબી સલાહકારોની ટીમના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.

આ આરોગ્ય કેમ્પ દરમિયાન ડૉ. નીલમ અહિરવાર (કન્સલ્ટન્ટ ઓન્કો સર્જન), ડૉ. અંકિતા પટેલ (કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ), ડૉ. હેની જરીવાલા અને ડૉ. રૂચિ શાહ (સ્ત્રીરોગ તથા પ્રસૂતિ નિષ્ણાત), ડૉ. મિત્તલ પટેલ (રેડિયોલોજિસ્ટ) તથા ડૉ. પટેલ (પેથોલોજિસ્ટ) દ્વારા પોતાની નિષ્ણાત સેવાઓ આપવામાં આવી હતી.

મહિલાઓ તરફથી આ કાર્યક્રમને ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. કેમ્પ દરમિયાન લગભગ 150 મહિલાઓને સર્વિકલ કેન્સર પ્રતિરોધક રસી આપવામાં આવી હતી, જ્યારે 75થી વધુ મહિલાઓનું મેમોગ્રાફી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કેટલીક મહિલાઓનું આરોગ્ય ચેક-અપ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તબીબો દ્વારા મહિલાઓને સ્વાસ્થ્ય જાગૃતિ, યોગ્ય આરોગ્ય સંભાળ તથા સ્તન અને સર્વિકલ કેન્સરના વહેલા નિદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વલસાડના પ્રમુખ જપનભાઈ શાહ, અમરભાઈ પારેખ અને સ્વાતિ શાહ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું. ઉપરાંત સામાજિક કાર્યકર્તા હેતલ દેસાઈ તેમજ સંસ્થાના ટ્રસ્ટી સભ્ય શ્રેણિકભાઈ શાહ પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ મહિલાઓને પરિવારની મજબૂત આધારશિલા તરીકે સન્માન આપવા તેમજ સ્તન અને સર્વિકલ કેન્સરના વહેલા નિદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. કસ્તુરબા હોસ્પિટલમાં ડિજિટલ મેમોગ્રાફી જેવી આધુનિક સુવિધા રાહત દરે ઉપલબ્ધ છે. સાથે સાથે મહિલાઓ માટે વિશેષ “વેલ વુમન હેલ્થ ચેક-અપ પ્લાન” તેમજ બ્રેસ્ટ અને ઓન્કો સર્જન, ઓન્કોલોજિસ્ટ અને સ્ત્રીરોગ નિષ્ણાતોની સલાહ સેવા પણ ઉપલબ્ધ છે.
કસ્તુરબા હોસ્પિટલ દ્વારા સમયાંતરે આવા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજીને સમાજને સસ્તી અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના માનવ સંસાધન વિભાગના પ્રમુખ હેતલ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!